યાદ કરો, કોઈ નવલકથા આખ્ખેઆખ્ખી છેલ્લે તમે ક્યારે વાંચી હતી? વાંચનનો શોખ હશે તો આ સવાલથી તમારી દુ:ખતી નસ દબાઈ ગઈ હશે. એક જમાનામાં તમે 650-700 પાનાંની દળદાર નવલકથાઓ રસથી,રાતભર જાગી જાગીને પણ વાંચતા અને હવે? સમય નથી! જિંદગી એકદમ ફાસ્ટ થઈ ગઈ છે અને ઘડીભરની નિરાંત મળતી નથી.
આપણો ઘણો ખરો સમય ટીવી, કમ્પ્યુટર અને મોબાઇલના સ્ક્રીનમાં આંખો પરોવી રાખવામાં ખર્ચાઈ જાય છે એટલે પુસ્તકના કાગળની સુગંધ દુર્લભ બની ગઈ છે (ક્યારેક જૂનું પુસ્તક વાંચતી વખતે ખરેખર કાગળની સુગંધ લઈ જોજો!)
તો એનો ઉપાય શું? ન્યૂ યોર્કનાં એક મહિલા સુસાન ડેન્ઝીગરને ન્યૂ યોર્ક ટાઇમ્સ અખબારમાં જૂના સમયની ક્લાસિક નવલકથાઓ ધારાવાહિક સ્વરૂપે વાંચતાં વાંચતાં એક ઝબકારો થયો અને એમાંથી સર્જાઈ ડેઇલીલિટ નામની એક અનોખી સર્વિસ.
એમનો આઇડિયા સાવ સિમ્પલ હતો - સુસાનને લાગ્યું કે હવેની દોડધામભરી જિંદગીમાં આપણને પુસ્તકો વાંચવાનો સમય તો મળતો નથી, પણ દરરોજ ઇમેઇલ વાંચવા માટે આપણે કલાકો ફાળવી શકીએ છીએ. તો પુસ્તકો પણ ઇમેઇલમાં જ વાંચવા મળે તો? હપ્તે હપ્તે? અમેરિકન પ્રજાની મજા એ છે કે આપણને જે તુક્કો લાગે એના પર અમલ કરી નાખતાં એ લોકોને ઝાઝી વાર લાગતી નથી.
પરિણામે, સુસાને બીજા લોકોની મદદ મેળવીને ફટાફટ પોતાના આઇડિયાને સ્પષ્ટ સ્વરૂપ આપવાની શરૂઆત કરી. પહેલાં, ‘વૉર ઓફ ધ વર્લ્ડ્સ’ અને ‘પ્રાઇડ એન્ડ પ્રીજ્યુડાઇસ’ પુસ્તકોને શ્રેણીબદ્ધ ઇમેઇલના હપ્તાઓમાં ફેરવી નાખવામાં આવ્યા. મિત્રોને એનો અનુભવ કરાવ્યો, સૌએ વિવિધ સૂચનો કર્યાં અને છેવટે 2007માં ડેઇલીલિટ નામની અનોખી વેબ લાઇબ્રેરી શરૂ થઈ.
ડેઇલીલિટ પર અત્યારે એક હજાર જેટલાં પુસ્તકો ઉપલબ્ધ છે. સામાન્ય રીતે, આપણો અનુભવ છે કે આ રીતે ઇન્ટરનેટ પર ફ્રી પુસ્તકો ઉપલબ્ધ કરાવતી સાઇટ્સ પર આપણે જન્મારેય સાંભળ્યાં ન હોય એવાં પુસ્તકો કે લેખકોની જ ભરમાર હોય છે. બધું ફ્રી છે એવું જાણીને આપણે રાજી થઈ શકીએ એટલું જ, પછી વાંચવું શું એ સવાલ ઊભો જ રહે. સદભાગ્યે, ડેઇલીલિટ પર આવું નથી. તમે ઇંગ્લિશ થ્રીલર વાંચવાનો શોખ હોય તો જોહ્ન ગ્રિશામ કે અગાથા ક્રિસ્ટીની નોવેલ તમે અહીં મફત વાંચી શકો છો. હ્યુમરનો શોખ હોય તો માર્ક ટ્વેઇન કે પી.જી. વૂડહાઉસનાં પુસ્તકો મળશે. અરેબિયન નાઇટ્સની વાર્તાઓ વાંચી શકાશે અને રોબિન હૂડની વાર્તા પણ મળશે. સ્ટીવ જોબ્સે લખેલું ‘ધ વિસ્ડમ ઓફ (સ્ટીવ) જોબ્સ’ પુસ્તક પણ અહીં મળશે.
હવે ધારો કે તમારે જોબ્સનું આ જ પુસ્તક ડેઇલીલિટ સર્વિસની મદદથી વાંચવું છે. તો www.dailylit.com પર જાઓ. બ્રાઉઝ બુક્સ વિભાગમાં જઈને, પુસ્તકના નામ, લેખક કે કેટેગરીની મદદથી આ પુસ્તક શોધો અથવા સર્ચ બોક્સની મદદ લો. પુસ્તકના પેજ પર પહોંચી, લેખક અને પુસ્તક વિશે વધુ જાણો. સ્ટીવ જોબ્સનું પુસ્તક આપણે 53 ઇમેઇલ્સના હપ્તે વાંચી શકીએ એવી સુવિધા છે (આ સર્વિસ પાછળનો મૂળ વિચાર આ જ છે, રોજની 4-5 મિનિટ ફાળવીને તમે પુસ્તકો વાંચી શકો). અહીં તમે તમને મળનારા ઇમેઇલ્સનો પ્રીવ્યૂ પણ જોઈ શકો છો. રસ પડે એવું લાગે તો ડાબી તરફ આપેલા બોક્સમાં તમારું ઇમેઇલ આઇડી આપો (ઇચ્છો તો ઇમેઇલને બદલે આરએસએસ ફીડનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો). એ સાથે, તમે અઠવાડિયામાં ક્યારે ક્યારે અને કયા કયા સમયે ઇમેઇલ્સ મેળવવા માગો છો એ જણાવી દો. શરતો મંજૂર કરો અને સબસ્ક્રાઇબ કરી દો!
હવે તમે બતાવેલી મરજી અનુસાર સ્ટીવભાઈ તેમનાં અવતરણો લઈને તમારા ઇમેઇલના ઇનબોક્સમાં હાજર થવા લાગશે. ક્યારેક સમય હોય તો તમે તરત આગળનો હપ્તો પણ વાંચી શકો.
ડેઇલલિટમાં આટલા ઉપરાંત બીજી સુવિધાઓ પણ છે, એનો લાભ લેવા માટે તમે નવેસરથી તમારું એકાઉન્ટ ખોલાવી શકો અથવા ગૂગલ, ફેસબુક, ટ્વીટર વગેરેથી લોગઇન થઈ શકો છો. અહીંથી તમે તમારા સ્વજનને પુસ્તકો ભેટ પણ આપી શકો છો (રીત તો એ જ, એમના ઇમેઇલમાં હપ્તાવાર!).
વાંચનનો શોખ હોય, પણ ઇમેઇલ્સની ભરમારમાં એ શોખ ક્યાંક ખોવાઈ ગયો હોય તો અચૂક અજમાવવા જેવી આ સર્વિસ છે.